Dec 18, 2012 |
યંગિસ્તાન - ભાવિન અધ્યારુ
મોબાઇલ અને આઈટીની દુનિયા સૌથી વધુ ઝડપથી બદલતી એક ડાયનેમિક ઘટના છે. આજનું નવું થોડા જ સમયમાં ફરી જૂનું થઈ જાય છે. કમ્પ્યુટર લેન્ગવેજ હોય કે પછી મોબાઇલ એપ્લિકેશન્સ, નવું જૂનાને સતત ઓવરટેક કરતું રહે છે. ટેલિકોમ ક્રાંતિ પછી મોબાઇલ બધા પાસે કોમન થયાં, પણ એમાં પછી ઔર એક પરિમાણ ઊભું થયું. ફીચર ફોન અને સ્માર્ટ ફોન. હાલ સ્માર્ટ ફોન અને એના એપ્લિકેશન્સ બધે જ ચર્ચામાં છે. એમાં પણ છેલ્લાં એકાદ બે વર્ષથી વ્હોટ્સ એપે તો જાણે તરખાટ મચાવ્યો છે.
શં છે આ વ્હોટ્સ એપ? એવો તો શું તરખાટ મચાવી દીધો છે વ્હોટ્સ એપે? જે લોકો આજની તારીખે પણ ફેસબુકના એકતરફી પ્રેમમાં છે એ લોકો માટે વ્હોટ્સ એપ વિશે થોડો રિકેપ કરી લઈએ. વ્હોટ્સ એપ એ બેઝિકલી એક પ્રકારનું ક્રોસ પ્લેટફોર્મ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. આપણે અગાઉ વાત કરી એમ વાત દરેક વ્યક્તિ પાસ મોબાઈલ આવી જવાથી નથી અટકતી. હવે નાનાં-મોટાં શહેરોમાં તો દરેક વ્યક્તિ ઇચ્છે છે કે એની પાસે સ્માર્ટ ફોન બોલે તો એન્ડ્રાઇડ, વિન્ડોઝ કે એપલ ઓપરેટિંગ સિસ્ટમ બેઇઝ્ડ ફોન હોય. સમજોને કે હાથમાં રહેલું એક ટચૂકડું કમ્પ્યુટર જ.
આથી જ થોડાં વર્ષો પહેલાં જ્યારે એસએમએસ એક નોવેલ્ટી, એક વેરાયટી ગણાતી ત્યારે લોકોને રોજિંદાં કામમાં કે પછી પોતાના પ્રિય પાત્ર સાથે વાત કરવામાં એનો સહજ ઉપયોગ કરતાં. ટેલિકોમ કંપનીઝને તેનાથી સારી એવી આવક થતી. ધીમે ધીમે લોકો ખાસ કરીને યંગસ્ટર્સ આ મેસેજિંગના વળગણનો ભોગ બન્યા. વાત ત્યાંથી ન અટકી, પણ અર્થશાસ્ત્રમાં જેને તૃષ્ટિગુણનો સેચ્યુરેશન પોઇન્ટ કહે છે એ આવી ગયો. હવે લોકોને કંઈક નવું જોઈતું હતું અને લો બ્લેકબેરી ફોન્સ અને ટેક્નોલોજીનો વપરાશ વધતાં બીબીએમ બોલે તો બ્લેકબેરી મેસેજિંગ સર્વિસનું ચલણ વધ્યું. એના માટે અલગથી ચાર્જ હોવા છતાં એ એક નોવેલ્ટીને લોકોએ સહજતાથી એને આવકારી અને અપનાવી.
ટેક્નોલોજીમાં તો કાયમ સર્વાઇવલ ઓફ ધી ફિટેસ્ટનો નિયમ હોઈ શેર માથે સવા શેર હોવાનો જ. થોડા સમયમાં સ્માર્ટ ફોન માટે વ્હોટ્સ એપ હાજર થઈ ગયું. અમેરિકાના કેલિર્ફોિનયામાં વ્હોટ્સ એપનું હેડક્વાર્ટર છે. એની જન્મકથા ગૂગલ અને વિકિપિડિયા જેવી જ રસપ્રદ છે. બ્રિયાન એક્ટન અને જેમ કુમ નામના બે જુવાનિયાઓએ યાહૂની માલદાર નોકરી છોડી આ એક એવું એપ્લિકેશન બનાવ્યું જે આગળ જતાં પૂરી એસએમએસ ટેક્નોલોજીને ખતમ કરી દેવાના હતા. ફિલોસોફી બહુ જ ક્લિયર છે કે આજે નહીં તો કાલે, સૌ કોઈ પાસે સ્માર્ટ ફોન હોવાના જ છે અને એટલા માટે જ નજીવા દરે અથવા મફતમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરી એપને માત્ર ટેક્સ્ટ મેસેજ જ નહીં, પણ રેર્કોિંડગ ફાઇલ કે પછી બધા જ વીડિયોઝ બધું જ મોકલી શકાય છે.
બંને સ્થાપકો બહુ સિફતતાથી કોઈ રાજકારણીની જેમ બોલે છે કે અમે અહીં કોઈને નુકસાન પહોંચાડવા નથી આવ્યા, અમે તો ફક્ત મેસેજિંગ સર્વિસનો એક સારો વિકલ્પ આપી રહ્યા છીએ. જે પણ હોય ભારતમાં જાણે વ્હોટ્સ એપનું તોફાન આવી ચડયું છે.ળ
લોકો સ્માર્ટ ફોન અને એમાં પણ વ્હોટ્સ એપનો ઉપયોગ પાગલપનની હદે કરી રહ્યા છે. આજે ઓફિશિયલ આંકડાઓ કહે છે કે વ્હોટ્સ એપના પ્લેટફોર્મ પરથી દરરોજના વિશ્વમાં પૂરા દસ બિલિયન કરતાં પણ વધારે મેસેજિસ ટ્રાન્સફર થતા રહે છે. વ્હોટ્સ એપનો સૌથી મોટો ફાયદો એ છે કે મફત છે, ઉપરાંત એમાં એક વખત એને ડાઉનલોડ કરી લીધા પછી એ એકદમ ઇઝી ટુ યુઝ છે. ભારતની જાયન્ટ ટેલિકોમ કંપનીઝ સ્વીકારે છે કે વ્હોટ્સ એપને લીધે એ લોકોની મેસેજિંગ સર્વિસ પેક્સની આવકમાં ૪૦ ટકા જેટલો માતબર કાપ આવ્યો છે.
બીજી તરફ જોઈએ તો વ્હોટ્સ એપ માટે મોબાઇલમાં જીપીઆરએસ યાને કે ઇન્ટરનેટ ડેટાપેક એક્ટિવેટ જોઈએ. પરિણામે એક વાર એનો ચસકો લાગી ગયા પછી બધાને પોતાના મોબાઇલમાં ઇન્ટરનેટ એક્ટિવેટ કરાવવું છે અને અંતે ફાયદો તો ટેલિકોમ કંપનીઝને જ છે, કારણ કે ભારતમાં સરેરાશ ઇન્ટરનેટ મોબાઇલ માટે આજની તારીખે પણ કમરતોડ મોંઘું છે.
વ્હોટ્સ એપની કેટલી આડ અસરોની વાત પણ કરવી જ રહી બોસ. જુવાનિયાઓ ક્યાંક નહીં તો પહેલાં ફેસબુક પર મળી જતા. હવે આખો દિવસ વ્હોટ્સ એપ પર ઓનલાઇન રહે છે. કાળી રાત હોય કે દિવસ ઓફિસની મિટિંગમાં હોઈએ કે ગર્લફ્રેન્ડ સાથે કે પછી મમ્મી-પપ્પા સાથે. બસ વ્હોટ્સ એપ ચાલુ જ રહેલું જોવા મળે છે. ત્યાં સુધી કે લોકો પોતાની બોલીમાં પણ એવું બોલતા થયા છે કે મને તું પેલાનો કોન્ટેક્ટ કે ફોટોગ્રાફ વોટ્સ એપ પર કરી દેજેને.
વ્હોટ્સ એપ મોબાઇલમાં સ્ટોર કરેલા નંબર્સ જેટલા જ કોન્ટેક્ટ લે છે. પરિણામે ફેસબુકની જેમ એમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ પ્રકારનો કન્સેપ્ટ નથી. જેટલા લોકોને ઓળખો છો, જેના નંબર તમારા મોબાઇલમાં સ્ટોર છે વ્હોટ્ એપમાં એટલા જ લોકો દેખાશે. કેટલાક સિક્યોરિટી અને પ્રાઇવસીના દુરુપયોગના પણ એટલા જ ચાન્સીસ રહેલા છે. વ્હોટ્સ એપના વારાન્યારા થઈ નિકલ પડી હોવાથી હવે એની જેમ જ બીજા થર્ડ પાર્ટી મેસેજિંગ પ્લેટફોર્મ મેદાનમાં ઊતરી પડયા છે. જેવા કે મોજો, યપ્પારી, વોઝઝપ વગેરે વગેરે.
બધું જ એની જગ્યાએ પરફેક્ટ છે. બસ ચિંતા એક જ વાતની છે કે લોકોના ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન ઘટી રહ્યા છે. જન્મદિન હોય, પ્રમોશનની બધાઈ કે પછી કોઈ લગ્ન-જન્મદીનની પાર્ટીનું આમંત્રણ, બધું જ આ વ્હોટ્સ એપ અને ફેસબુક પર પૂરું થઈ જાય છે. લોકો ફોન કરવાનું કે મળવાનું બને ત્યાં સુધી સમયનું કારણ આગળ ધરીને ટાળતા રહે છે. જોઈએ આ વ્હોટ્સ એપ ક્યાં સુધી લઈ જાય છે. લખી રાખજો કે આનો પણ એક વિકલ્પ બહુ જલદી માર્કેટમાં આવશે અને ઓરકુટ પછી ફેસબુકના ન્યાયે વ્હોટ્સ એપનો પણ પાળિયો બંધાઈ જશે. ત્યાં સુધી તમતમારે વ્હોટ્સ એપ પર ચોવીસ કલાક લગે રહો.
No comments:
Post a Comment